ગુજરાતી ભાષાના કવિ મકરંદ વજેશંકર દવે - પરીચય

ગુજરાતી ભાષાના કવિ મકરંદ વજેશંકર દવે - પરીચય

મકરંદ વજેશંકર દવે

મકરંદ વજેશંકર દવે એ ગુજરાતી ભાષાના કવિ હતા. તેમના કાવ્યગ્રંથો તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, ઝબુક વીજળી ઝબુક વગેરે પ્રસિદ્ધ છે.

મકરંદ વજેશંકર દવેનો જન્મ   ૧૩ નવેમ્બર ૧૯૨૨ના રોજ ગોંડલ, ગુજરાતમાં થયો હતો. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે ૧૯૪૦માં રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો.તેમના પ્રારંભિક જીવનમાં જ તેઓ આધ્યાત્મિક ગુરુ નાથાલાલ જોષીના સંપર્કમાં આવ્યા હતા ૧૯૬૮માં તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડીયા સાથે થયા. તેઓ પછી મુંબઈ સ્થાયી થયા હતા.

ઇ.સ. ૧૯૮૭માં તેમના પત્નિ સાથે તેઓ વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદીગ્રામની સ્થાપના કરી.

સન્માન

સ્વામી આનંદ દ્વારા તેમને સાંઇ ઉપનામ મળ્યું હતું. ૧૯૭૯માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૧૯૯૭), નરસિંહ મહેતા પુરસ્કાર, અરબિંદો પુરસ્કાર તેમના આધ્યાત્મિક અને સાહિત્યિક સર્જન માટે મળ્યા હતા.

૩૧ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ નંદીગ્રામ, વલસાડ ખાતે તેમનું અવસાન થયું હતું.

કૃતિઓ

કવિતા – તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, અમલ પિયાલી, હવાબારી, ‘મકરંદ-મુદ્રા’ (સમગ્ર કવિતા) , અમેરિકાનો ચિરંતન ચહેરો
નવલકથા – માટીનો મહેકતો સાદ
ચિંતન – યોગપથ, ભાગવતી સાધના, સહજને કિનારે, ચિરંતના, એક પગલું આગળ, રામનામ તારક મંત્ર, સૂર્યની આમંત્રણ પત્રિકા, ગર્ભદીપ, ચિદાનંદા, તપોવનની વાટે
બાળ સાહિત્ય – ઝબૂક વીજળી ઝબૂક, બે ભાઇ, તાઇકો
ગીતનાટિકા – શેણી વિજાણંદ, પ્રેમળ જ્યોત
ચરિત્ર –  યોગી હરનાથના સાંનિધ્યમાં, પીડ પરાઇ,
સંપાદન – સત કેરી વાણી, ભજન રસ

તેમની ધણી બધી રચનાઓ સુપ્રસિધ્ધ છે. જોઇએ કેટલીક રચનાઓ

ગમતાંનો કરીએ ગુલાલ

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ. 
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.

-મકરંદ દવે

   આવો !

અમે  રે  સૂકું  રૂ  નું  પૂમડું,
              તમે  અત્તર  રંગીલા  રસદાર;
તરબોળી  દ્યો  ને  તારેતારને,
              વીંધો  અમને  વ્હાલા,  આરંપાર :
              આવો,  રે  આવો  હો  જીવણ,  આમના.

અમે  રે  સૂના  ઘરનું  જાળિયું,
              તમે  તાતા  તેજના  અવતાર;
ભેદીને  ભીડેલા  ભોગળ –  આગળા,
              ભરો  લખ  લખ  અદીઠા  અંબાર : 
              આવો,  રે  આવો  હો  જીવણ,  આમના.

અમે  રે  ઊધઇ –  ખાધું  ઇંધણું,
              તમે  ધગધગ  ધૂણીના  અંગાર;
પડેપડ  પ્રજાળો  વ્હાલા,  વેગથી,
              આપો  અમને  અગનના  શણગાર :
              આવો,  રે  આવો  હો  જીવણ,  આમના.


ધૂળિયે મારગ


કોણે કીધું ગરીબ છીએ ?
કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા !
આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ?
એમાં તે શી ખોટ ?

ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં છે આવો લાભ ?

સોનાની તો સાંકડી ગલી,
હેતું ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં
જીવતાં જોને પ્રેત !

માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ !

મિત્રો , પોસ્ટ ગમે તો લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.ધન્યવાદ.
Post a Comment (0)
Previous Post Next Post