રાષ્ટ્રય યુવા દિવસ-સ્વામી વિવેકાનંદ જયંતી


રાષ્ટ્રય યુવા દિવસ-સ્વામી વિવેકાનંદ જયંતી

સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવારની પૂર્વસંધ્યાએ સોમવાર તા. ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું.  તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર (શિવ)ની આરાધના કરતા હતા. જાણવા મળ્યા મુજબ તેણીને એક સ્વપ્ન આવ્યુ હતું જેમાં તેમને એવું દેખાયુ હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે.
swami vivekanand


તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી - પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. તેમની યુવાનીના વર્ષો દરમિયાન તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતાં અને તેઓ કોઇ પણ વાતને બૌધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વિના માનવાનો ઇન્કાર કરતા હતાં. તેમના મનનો બીજો હિસ્સો ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અનાસક્તિ તરફ આકર્ષાતો હતો.

નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સને ૧૮૭૧માં ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા હતા અને સન ૧૮૭૯માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી. તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા. તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. બાળપણથી જ તેમ્ણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો.  તેઓ જ્યારે ખુબ જ યુવાન હતા ત્યારે પણ તેમણે પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો.

નરેન્દ્રનાથની માતાએ તેમના આધ્યાત્મિક વિકાસમાં ખુબજ મહત્વનો ભાગ ભજવ્યો હતો. નરેન્દ્ર પોતાના જીવનના અંતિમ વર્ષો દરમિયાન પોતાની માતાનું એક વાક્ય ટાંકતા હતા તે આ મુજબ હતું, " તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો. તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો.પરમ શાંત બનો; પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં તમારા હૈયાને કઠ્ઠણ બનાવી દો." જાણવા મળે છે તેમ તેઓ ધ્યાનમાં પારંગત હતા. કહેવાય છે કે તેમને ઉંઘમાં એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો અને તેમને ધ્યાનદરમિયાન બુદ્ધના દર્શન થતા હતાં.

નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 181માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી.
બાળપણથી જ તેઓએ આધ્યાત્મિકતા, ઇશ્વરાનુભુતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં રુચિ દર્શાવી હતી. તેમણે પૂર્વ તથા પશ્ચિમની ધાર્મિક તથા તત્વજ્ઞાન સંબંધી વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તથા તેઓ જુદા જુદા ધાર્મિક અગ્રણીઓને મળ્યા. તેમના પર તે સમયની મહત્વની સામાજિક-ધાર્મિક સંસ્થા બ્રહ્મો સમાજની ઘણી અસર પડી હતી. તેમની શરૂઆતની માન્યતાઓનું ઘડતર બ્રહ્મો સમાજે કર્યું. બ્રહ્મો સમાજ નિરાકાર ભગવાનમાં માનતો, મૂર્તિપુજાને નકારતો અને સામાજિક-આર્થિક સુધારાને સમર્પિત હતો. તેઓ બ્રહ્મોસમાજના દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેનજેવા આગેવાનોને મળ્યા તથા ભગવાનના અસ્તિત્વ વિષે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી, પરંતુ તેમને સંતોષકારક જવાબો નહોતા મળ્યા.

રામકૃષ્ણની સાથે નવેમ્બર 1881માં રામકૃષ્ણ પરંહંસ સાથેની તેમની મુલાકાત તેમની જિન્દગીનો સંક્રાન્તિકાળ પુરવાર થઇ હતી. નરેન્દ્ર રામકૃષ્ણ અને તેમના વિચારોને સ્વીકારી શકતા નહોતા, તેમ છતાં તેઓ તેમની ઉપેક્ષા પણ કરી શકતા નહોતા. રામકૃષ્ણના માર્ગદર્શન નીચેની તાલીમના પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રનું એક બેચેન, મુંઝાયેલા, અધીર યુવાનમાંથી એક એવા પરિવક્વ યુવાનમાં પરીવર્તન થયું, જે ઇશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો. આ સમય દરમિયાન, નરેન્દ્રએ રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર્યા.

વિવેકાનંદને શીખવાડવામાં આવ્યું હતું કે માનવજાતની સેવા ઇશ્વરની સૌથી અસરકારક સેવા છે.
સ્વામી વિવેકાનંદના વિચારોની અનેક વિદ્વાનો અને પ્રખ્યાત વિચારકોએ પ્રશંસા કરી હતી તેમના પ્રવાસો, સળંગ વક્તવ્યો, અંગત ચર્ચાઓ અને વાતચીતોએ સ્વાસ્થ્યનો ભોગ લીધો. તેઓ અસ્થમા, ડાયાબિટિસ અને અન્ય શારીરિક બિમારીઓથી પિડાતા હતા જુલાઈ 4, 1902ના રોજ ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું. તેમના અનુયાયીઓના મતે આ મહાસમાધિ હતી.

સ્વામી વિવેકાનંદનું  શિકાગોમાં પ્રવચનના ખાસ અંશો

  • અમેરિકન ભાઈઓ અને બહેનો, તમે જે સ્નેહ સાથે મારું સ્વાગત કર્યું છે તેનાથી હું ગદગદ થઈ ગયો છું.
  • હું દુનિયાની સૌથી જૂની સંત પરંપરા અને તમામ ધર્મોની જનેતા તરફથી આપને ધન્યવાદ આપું છું.
  • તમામ જ્ઞાતિઓ અને સંપ્રદાયોના લાખો-કરોડો હિંદુઓ તરફથી આપનો આભાર માનું છું.
  • વિશ્વમાં સહિષ્ણુતાનો વિચાર પૂર્વના દેશોમાંથી ફેલાયો હોવાનું આ મંચ પર અગાઉના જે વક્તાઓએ જાહેર કર્યું હતું તેમનો પણ આભાર માનું છું.
  • મને એ વાતનો ગર્વ છે કે હું એ ધર્મને અનુસરું છું, જેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનું જ્ઞાન આપ્યું છે.
  • અમે માત્ર સાર્વભૌમિક સહિષ્ણુતામાં જ વિશ્વાસ નથી રાખતા, અમે તમામ ધર્મોનો સત્યના સ્વરૂપમાં સ્વીકાર કરીએ છીએ.
  • મને ગર્વ છે કે હું એ દેશમાંથી આવું છું, જે દેશે તમામ ધર્મો અને દેશો દ્વારા હેરાન કરવામાં આવેલા લોકોને શરણ આપ્યું છે.
  • મને ગર્વ છે કે અમે અમારાં હૃદયમાં ઈઝરાયલની એ પવિત્ર સ્મૃતિને જાળવી રાખી છે, જેમાં તેમનાં ધર્મસ્થળોને રોમન હુમલાખોરોએ લગભગ નષ્ટ કરી નાખ્યાં હતાં. પછી તેમણે દક્ષિણ ભારતમાં આશ્રય લીધો હતો.
  • મને ગર્વ છે કે હું એક એવા ધર્મને અનુસરું છું, જેણે પારસી ધર્મના લોકોને આશ્રય આપ્યો છે અને તેની સતત મદદ કરી રહ્યો છે.
  • હું આ પ્રસંગે એક શ્લોક સંભળાવવા ઇચ્છું છું. આ શ્લોકનું પઠન હું બાળપણથી કરતો રહ્યો છું અને રોજ કરોડો લોકો તેનું પઠન કરે છે.
  • એ શ્લોક આ મુજબ છેઃ "જે રીતે અલગ-અલગ સ્થળોએથી નિકળેલી નદીઓ અલગ-અલગ માર્ગોથી આગળ વધીને આખરે સમુદ્રમાં ભળી જાય છે તેવી જ રીતે મનુષ્ય પોતાની ઇચ્છાથી અલગ-અલગ માર્ગ પસંદ કરે છે"
  • "એ માર્ગો ભલે અલગ-અલગ દેખાય, પણ બધા રસ્તા આખરે તો ઈશ્વર ભણી જ જાય છે."
  • આજનું સંમેલન અત્યાર સુધીની સૌથી પવિત્ર સભાઓ પૈકીનું એક છે. આ સંમેલન ગીતામાં આપવામાં આવેલા એક ઉપદેશ મુજબનું છે.
  • ગીતામાં એવો ઉપદેશ આપવામાં આવ્યો છે કે "જે વ્યક્તિ મારા સુધી આવે છે, એ ભલે ગમે તેવી હોય, પણ હું તેમના સુધી પહોંચું છું."
  • "લોકો અલગ-અલગ માર્ગો પસંદ કરે છે, મુશ્કેલીઓનો સામનો કરે છે, પણ આખરે મારા સુધી પહોંચે છે."
  • સાંપ્રદાયિકતા, કટ્ટરતા અને તેના ભયાનક વંશજોની ધાર્મિક હઠે આ સુંદર ધરતીને લાંબા સમયથી જકડી રાખી છે.
  • તેમણે આ વિશ્વમાં પારાવાર હિંસા ફેલાવી છે અને અનેક વખત આ ધરતી લોહીથી લાલ થઈ ચૂકી છે. તેમાં સંખ્યાબંધ સંસ્કૃતિઓ તથા દેશોનો નાશ થયો છે.
  • આ ખૌફનાક રાક્ષસો ન હોત તો માનવસમાજ અત્યાર કરતાં અનેકગણો બહેતર હોત, પણ એ રાક્ષસોનો સમય પુરો થઈ ગયો છે.
  • મને આશા છે કે આ સંમેલનનું બ્યુગલ તમામ પ્રકારની કટ્ટરતા, હઠધર્મિતા અને દુઃખોનો વિનાશ કરશે. એ વિનાશ ભલે તલવાર વડે થાય કે કલમ વડે.



إرسال تعليق (0)
أحدث أقدم